Education Gujarati
Education Gujarati Join Our Telegram Channel
Join
Follow To WhatsApp Channel. Education Gujarati

Search Suggest

પ્રજ્ઞા અભિગમ

પ્રાથમિક શિક્ષણના ક્ષેત્રમાં સમયાંતરે વિશિષ્ટ અને વિવિધ શૈક્ષણિક પ્રયોગો થઈ રહ્યા છે. પ્રજ્ઞા અભિગમ પણ સાતત્યપુર્ણ શૃંખલા પૈકીનો જ એક અભિગમ છે. ગુજરાત રાજ્યમાં જુન ૨૦૧૦ માં ફેઝ - ૧ (ધોરણ ૧-૨) થી શરૂ થયેલ પ્રજ્ઞા અભિગમ જુન - ૨૦૧૪ માં ફેઝ - ૫ સુધી વિસ્તરણ પામ્યો છે. 
વર્ગના તમામ બાળકોને શિક્ષણ પ્રક્રિયામાં જોડી શકાય. તેમની શૈક્ષણિક સિદ્ધિઓનું વ્યક્તિગત માપન થઈ શકે આ તમામ આવશ્યકતાને ઉપકારક બને એવો અભિગમ એટલે પ્રજ્ઞા. ‘પ્રવૃતિ દ્વારા જ્ઞાન’ પ્રાપ્ત ક૨વાનો અભિગમ એટલે ‘પ્રજ્ઞા અભિગમ’ જે વિદ્યાર્થી કેન્દ્રી અને પ્રવૃતિલક્ષી અભિગમ છે. 
આ અભિગમમાં પ્રવૃતિઓ હેતુલક્ષી છે. જેથી બાળક જે કઈ શીખે છે તે પ્રવૃતિના માધ્યમથી જ શીખે છે જેના ફળ સ્વરૂપે બાળકને ભણતર ભાર વગરનું લાગે છે.

આમ, સમગ્ર દેશમાં પ્રજ્ઞા અભિગમ ABL ના અસરકારક મોડેલ તરીકે લંબાઈ રહ્યુ છે. આ અભિગમના આધારે બાળકને વ્યક્તિગત શિક્ષણ, વિષય શિક્ષક સાથેનું શિક્ષણ અને ગતિ આધારિત શિક્ષણ મળી રહે છે. તે અત્યંત મહત્વની બાબત બની રહી છે. 
 

પ્રજ્ઞા અભિગમના હેતુઓ 

  • પ્રત્યેક બાળક પોતાની ગતિ મુજબ શિક્ષણ મેળવવાની તક મેળવે. 
  • ભાર વગરના પ્રવૃતિલક્ષી, આનંદદાયી શિક્ષણની તક પ્રાપ્ત કરે. 
  • પ્રત્યેક બાળક ગુણવતાયુક્ત શિક્ષણ મેળવી તેની ક્ષમતા વિકસિત કરે. 
  • બાળકે જરૂરી શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત કરી કે નહી તેનું મુલ્યાંકન કરે. 
  • બહુસ્તરીય શિક્ષણ માટેની સામગ્રી નિર્માણ કરે તથા તેનો ઉપયોગ કરવાની ક્ષમતા પ્રાપ્ત કરે. 
  • બાળકો એક બીજાના સહયોગથી શિક્ષણ મેળવે. 
  • વિશેષ જરૂરીયાતવાળા બાળકોને પુરતો સમય અને તક મળે. 
  • વિવધ સ્તરના બાળકોને શીખવા માટેની સમાન તક મળે.
  • બાળકની પ્રત્યેક તબક્કે થતી પ્રગતિથી વાલી, શિક્ષક, અને બાળક પોતે પણ માહિતગાર રહે. 

પ્રજ્ઞા વર્ગખંડનું ભૌતિક પર્યાવરણ : 

સામાન્ય વર્ગખંડ કરતા પ્રજ્ઞા વર્ગખંડમાં એવી નોંધપાત્ર બાબતો જોવા મળે છે કે જેનાથી પ્રજ્ઞા વર્ગખંડનું ભૌતિક પર્યાવરણ જુદું પડે છે. 

૧. વર્ગખંડની પસંદગી : 
સામાન્ય રીતે વર્ગખંડની દિવાલો ચિત્રાત્મક રંગરોગાન વગરની સ્વચ્છ અને સુઘડ હોય છે. ટુકડી - ૧ અને ટુકડી - ૨ માટે જુદા જુદા વર્ગખંડની પસંદગી કરાય છે. બંને વર્ગખંડ શક્ય હોય ત્યાં સુધી બાજુ - બાજુમાં હોય તેવા રખાય છે. 

૨. બેઠક : 
બાળકોને બેસવા માટે પાથરણાંની વ્યવસ્થા હોય છે. 

૩. ઘોડા અને ટ્રે : 
ટ્રે મુકવા માટે વર્ગખંડમાં યોગ્ય જગ્યાએ ઘોડા બનાવેલ હોય છે. ગણિતના વર્ગખંડમાં એક ઘોડો હોય છે. જ્યારે ગુજરાતી - પર્યાવરણ ના વર્ગખંડમાં ગુજરાતી માટે એક અને પર્યાવરણ માટે એક ઘોડો હોય છે. 

૪. અભ્યાસકાર્ડ : 
પ્રજ્ઞા અભિગમમાં વિષયવસ્તુને માઈલસ્ટોનના કાર્ડ સ્વરૂપે વિભાજિત કરવામાં આવેલ છે. આ અભ્યાસકાર્ડ ઘોડામાં રાખેલ ટ્રે માં જે - તે સિમ્બોલ મુજબ મુકવામાં આવેલ છે. 

૫.લેડર : 
બાળકો સરળતાથી જોઈ શકે અને તેના પરના સિમ્બોલને સ્પર્શી શકે તેટલી ઊંચાઈએ ઘોડાની બાજુમાં લગાવેલ હોય છે. 

૬. છાબડી : 
વર્ગખંડમાં ચાર ફુટથી વધુ ન હોય, તેટલી ઊંચાઈએ ૬ છાબડી લટકાવેલ હોય છે. તમામ છ જૂથ સ્વતંત્ર રીતે બેસી શકે તે રીતે છાબડી લગાવેલ હોય છે. 

૭. પ્રગતિમાપન :
બાળકની વિષયવાર પ્રગતિ શિક્ષક પાસેના પ્રગતિમાપન રજીસ્ટરમાં નોંધવાર આવે છે. 

૮. ડિસ્પ્લે બોર્ડ : 
બાળકોએ જાતે કરેલ પ્રવૃતિઓ બાળકો જાતે જ વર્ગખંડમાં પ્રદર્શિત કરી શકે તે માટે બંને વર્ગખંડમાં યોગ્ય ઊંચાઈએ ડિસ્પ્લે બોર્ડ લગાવેલ હોય છે. 

૯. સ્લેટ : 
વર્ગખંડ માં શિક્ષક માટે એક મોટી સ્લેટ અને બાળકો માટે દસ નાની સ્લેટ હોય છે. 

૧૦. ટી.એલ.એમ. બોક્સ : 
બંને વર્ગખંડમાં યોગ્ય જગ્યાએ શક્ય હોય તો ઘોડાની બાજુમાં જરૂરીયાત મુજબની અધ્યયન અધ્યાપન સામગ્રી/TLM બોક્સ ગોઠવેલ હોય છે. 

૧૧. પોર્ટફોલિયો અને પ્રોફાઈલ : 
બાળકોએ બનાવેલ વસ્તુઓ બાળક પોતાના પોર્ટફોલિયામાં મુકી શકે કે લઈ શકે તેટલી ઊંચાઈએ પોર્ટફોલિયો રાખવામા આવે છે.

૧૨. વર્કબુક : 
બાળકોએ પોતાની જાતે જ પોતાની વર્કબુક સરળતાથી લઈ શકે તે માટે જે તે વિષયના ઘોડા પર કે તેની બાજુમાં વર્કબુક ગોઠવવામાં આવે. 

૧૩. હોમવર્ક બુક : 
ધોરણ ૩ થી ૪ નાં બાળકોને દઢિકરણનો મહાવરો મળે. તેવુ અર્થગ્રહણ થાય તે માટે ઉપયોગી છે. 

૧૪. ટીચર હેન્ડ બુક : 
અધ્યયન અધ્યાપન પ્રક્રિયા દરમિયાન અભ્યાસકાર્ડમાં દર્શાવેલ પ્રવૃતિઓ કેવી રીતે કરાવવી તેની સંપુર્ણ સમજ તેમજ માર્ગદર્શન હેન્ડબુક દ્વારા મળે છે. 

પ્રારંભિક જુથ વિભાજન : 

પ્રજ્ઞા વર્ગની રચના વિશેષ પ્રકારે કરવાની રહે છે. 
દા.ત. હાલ કોઈ એક શાળામાં ધો -૧ અને ધો -૨ ની સંખ્યા મુજબ બે ટુકડીમાં વિભાજિત કરીશું. 

હાલ ધોરણ - ૨ અને ધોરણ - ૧ ની સંખ્યા. 
ધોરણ -૨ 
૨૦ કુમાર
૨૦ કન્યા
 ૪૦ કુલ

ધોરણ -૧ 
૧૮ કુમાર 
૨૨ કન્યા 
૪૦ કુલ 
 

ટુકડીમાં વિભાજન 
ટુકડી - ૧ 
૧૦ કુમાર ધો -૨ 
૧૦ કન્યા ધો -૨ 
૯ કુમાર ધો - ૧
૧૧ કન્યા ધો - ૧
૪૦ કુલ

ટુકડી - ૨ 
૧૦ કુમાર ધો -૨ 
૧૦ કન્યા ધો -૨ 
૯ કુમાર ધો -૧ 
૧૧ કન્યા ધો -૧ 
૪૦ કુલ 
 
પ્રથમ દિવસે જે ટુકડી ગુજરાતી - પર્યાવરણમાં બેસે તે ટુકડી - ૧ અને પ્રથમ દિવસે જે ટુકડી ગણિત રેઈનબોમાં રહે તે ટુકડી - ૨ રહેશે.

પ્રજ્ઞા વર્ગ 
  • છાબડી -૧ શિક્ષક સમર્થિત જુથ 
  • છાબડી - ૨ આંશિક શિક્ષક સમર્થિત
  • છાબડી - ૩ સહાયક જુથ
  • છાબડી - ૪ આંશિક સહાયક જુથ
  • છાબડી - ૫ સ્વપ્રયત્ન કાર્ય 
  • છાબડી - ૬ મુલ્યાંકન જૂથ 
વર્ગના તમામ વિદ્યાર્થીઓ પોતાની ગતિ અનુસાર છ જુથમાં વહેંચાશે. 

સપ્તરંગી પ્રવૃતિઓ : 
બાળકના સર્વાંગી વિકાસની તેના રસ રૂચિના ક્ષેત્રમાં આગળ વધવાની તક પુરી પાડવા માટે સપ્તરંગી વિષય અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવે છે. ઉદા. 
પ્રવૃતિ ૧ : કાગળમાંથી વિવધ વસ્તુઓ બનાવવી. 
પ્રવૃતિ ૨ : તાલની રમત 
           સપ્તરંગી વિષય ૭ ક્ષેત્રોમાં વિભાજિત કરવામાં આવ્યો છે. દરેક વિભાગની ૧૦ પેટા પ્રવૃતિ છે. તે દરેકની પેટા પાંચ પ્રવૃતિ એમ મળીને કુલ ૩૫૦ પ્રવૃતિઓનો સંગ્રહ ધો -૧ થી ૪ માટે છે. આ દરેક પ્રવૃતિઓનો વિષયવસ્તુ સાથે અનુબંધ છે. 

મુખ્ય શિક્ષકની ભૂમિકા. 
  • મુખ્ય શિક્ષકે દરરોજ પ્રજ્ઞા વર્ગની મુલાકાત લઈ, પ્રજ્ઞા શિક્ષકને પ્રોત્સાહીત કરવા. 
  • પ્રજ્ઞા વર્ગની તમામ ભૌતિક સુવિધાઓ પુર્ણ થાય તેની વ્યવસ્થા કરવી. 
  • દર માસે બાળકોના પ્રગતિ રિપોર્ટનું આવલોકન કરશે, શિક્ષકને જરૂર જણાય ત્યાં માર્ગદર્શન આપશે. 
  • વર્ગખંડમાં પ્રોફાઈલ/પોર્ટફોલિયોનું અવલોકન કરી જરૂરી માર્ગદર્શન આપશે. 
ઉઠો, જાગો, વધારે ઉંઘો નહી, બધી ખામીઓ અને બધા દુઃખોને દુર કરવાની શક્તિ તમારી અંદર જ છે. 

પ્રજ્ઞા મૂલ્યાંકન : 
આ મુલ્યાંકન માળખાનો ધોરણ ૧ થી ૫ ની તમામ પ્રાથમિક શાળાઓ કે જ્યાં પ્રજ્ઞા અભિગમ અમલમાં છે ત્યાં ફરજિયાત અમલ કરવાનો રહેશે.

૧. ધોરણ ૧ અને ૨ ની મુલ્યાંકન પ્રણાલી 
  • ધોરણ ૧ અને ૨ માં વિદ્યાર્થીઓ પ્રજ્ઞા લેડર મુજબ અધ્યયન કાર્ડનું કાર્ય સફળતાપૂર્વક કરે એટલે શિક્ષકશ્રીએ તે અંગેની નોંધ જે તે વિષયના પ્રગતિ માપન રજીસ્ટરમાં કરવી. 
  • વિધાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સપ્તરંગી અંતર્ગત કરવામાં આવતી પ્રવૃતિઓની નોંધ સપ્તરંગી પ્રવૃતિ રજીસ્ટરમાં કરવાની રહેશે. જેને આધારે વર્ષ દરમ્યાનની પ્રવૃતિઓની નોંધ પરિણામપત્રકમાં નોંધ કરવી. 
  • ધોરણ ૧ અને ૨ માં વિવિધ અવલોકનો, જુચકાય, પ્રવૃતિઓ, રમતો વગેરે દ્વારા સતત અને સર્વગ્રાહી મુલ્યાંકન અનૌપચારીક રીતે કરવાનું રહેશે. મુલ્યાંકન અનૌપચારિક અને ઉપચારાત્મક શિક્ષણ પ્રત્યેક અભ્યાસકાર્ડ સાથે જ કરવાનું રહેશે. વિદ્યાર્થીના ગુણો અને કૌશલ્યોનું મુલ્યાંકન કરવા સપ્તરંગી પ્રવૃતિ રજીસ્ટર નિભાવવાનું રહેશે. વિદ્યાર્થી પ્રગતિ માપન રજીસ્ટર અને સપ્તરંગી રજીસ્ટરને આધારે શિક્ષકે વિદ્યાર્થીઓના પ્રગતિ પત્રકો અને પરિણામપત્રકો તૈયાર કરવાના રહેશે. 
  • ધોરણ ૧ અને ૨ માં શિક્ષકે પ્રત્યક્ષ ગ્રેડીંગ પદ્ધતિ મુજબ ABC પૈકી યોગ્ય ગ્રેડ આપવાનો રહેશે. અને તેને આધારે અનુક્રમે ધોરણ ૧ માટે પત્રક - D - ૧ અને પત્રક- D - ૨ તથા ધોરણ ૨ માટે પત્રક- D - ૩ અને પત્રક - D - ૪ નિભાવવાના રહેશે. 

૨. ધોરણ -૩, ૪ અને ૫ નું પ્રજ્ઞા મુલ્યાંકન માળખું. 
ધોરણ -૩, ૪ અને ૫ માં વિદ્યાર્થીઓ પ્રજ્ઞા લેડર મુજબ અધ્યયન કાર્ડનું કાર્ય સફળતાપુર્વક પુર્ણ કરે એટલે શિક્ષકશ્રીએ તે અંગેની નોધ જે તે વિષયના પ્રગતિ માપન રજીસ્ટરમા કરવી. 
  • વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સપ્તરંગી અંતર્ગત કરવામાં આવતી પ્રવૃતિઓની નોંધ સપ્તરંગી પ્રવૃતિ રજીસ્ટરમાં કરવાની રહેશે. જેને આધારે વર્ષ દરમ્યાનની પ્રવૃતિઓની નોંધ પત્રક - B: વ્યક્તિત્વ વિકાસ પત્રકમાં નોંધ કરવી. જેમાં કુલ -૪ ક્ષેત્રોમાં વિદ્યાર્થીના વ્યક્તિગત વિકાસ અંતર્ગતની બાબતો સમાવવામાં આવેલી છે. ધોરણ -૩, ૪ અને ૫ વાળમાં વ્યક્તિત્વ વિકાસ પત્રક - B ને આધારે બંને સત્ર દરમ્યાન સતત મુલ્યાંકન કરવાનું રહેશે. બંને સત્રના સરેરાશ ગુણને પત્રક - C માં વર્ષાન્તે ગણતરીમાં લેવાના રહેશે. 
  • જીસીઈઆરટી દ્વારા તૈયાર કરવામાં આવેલ રચનાત્મક મુલ્યાંકન પત્રક - A ને બદલે ધોરણ - ૩ થી ૫ માં નીચે દર્શાવ્યા અનુસારના રચનાત્મક મુલ્યાંકન પત્રકમાં સારણી મુજબ પુર્ણ કરેલ માઈલ સ્ટોનને આધારે ગુણ મુકવાના રહેશે. રચનાત્મક મુલ્યાંકનમાં સત્રાંતે તથા વર્ષાન્તે ૪૦ - ૪૦ ગુણ મુકવાના રહેશે. 

પ્રજ્ઞા અભિગમમાં જુદા જુદા વિષયો માટે જુદા જુદા ચિત્રોનો તથા જુદા જુદા કલરનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં ગુજરાતી વિષય માટે પ્રાણીના ચિત્રો તથા સાહિત્ય રંગ પીળો રાખવામાં આવ્યો છે. ગણિત વિષય પક્ષીઓના ચિત્રો દ્વારા તથા સાહિત્ય રંગ વાદળી રાખવામાં આવ્યો છે. પર્યાવરણ વિષયનો સાહિત્ય રંગ લીલો છે અને હિન્દી વિષય માટે ગુલાબી રંગ રાખવામાં આવ્યો છે. 
ગણિતની વિભાગીય કસોટી માટે બિલોરી કાચનો સિમ્બોલ તરીકે ઉપયોગ થાય છે. છેલ્લે બે કલાક ફરજિયાત સમૂહ કાર્ય કરાવવાનું હોય છે.

Post a Comment

Please do not enter any spam link in the comment box.